મંગળવાર, 8 માર્ચ, 2011

આયાસ વિનાનો પ્રયાસ

આયાસ વિનાનો પ્રયાસ

 

આસનનું મૂળ તો માણસની ત્રણ સ્થિતિ- ઊભા રહેવું, બેસવું, સૂવું- પર આધારિત હોય છે. આસન એ કંઈ જેને યાંત્રિક ઢબે કરી શકાય એવી ક્રિયાઓની શૃંખલા જ માત્ર નથી. દરેક આસન પાછળ એક તર્ક હોય છે, જેનો યોગ્ય રીતે અભ્યાસ કરવાથી જ એને આત્મસાત્ કરી શકાય છે.
સંસ્કૃત શબ્દ આસનનો અર્થ ક્યારેક ‘મુદ્રા’ તો ક્યારેક ‘સ્થિતિ’ એવો કરવામાં આવે છે, પરંતુ બન્ને શબ્દો એકદમ સચોટ નથી. આ બન્ને શબ્દ આસનના સાચા અર્થને વ્યક્ત નથી કરતા. આસનની અંતિમ મુદ્રા ત્યારે જ મેળવી શકાય જ્યારે શરીરનાં તમામ અંગ સાચી અવસ્થા, જાગૃતિ તથા બૌદ્ધિકતાની સ્થિતિમાં હોય. એ મેળવવા માટે આસનની પ્રત્યેક સંરચનાને સારી રીતે સમજવી જરૂરી છે.
ઘણી વાર લોકો યોગની શરૂઆત પૂર્વાગ્રહ સાથે કરતા હોય છે. કેટલાકો લોકો એનાથી તરત રોગમુક્તિ ઇચ્છે છે. કેટલાક માને છે કે સૌથી સરળ આસાન પણ મુશ્કેલ હોય છે. આવું એટલા માટે થાય છે કે શરૂઆતમાં શરીરના સ્નાયુ અક્કડ હોય છે અને મુદ્રા મોટે ભાગે ખોટી. સ્વસ્થ લોકો પણ જો શરીર અને દિમાગની સ્થિરતા ન સ્થાપી શકતા હોય તો એમને સાચા અભ્યાસની જરૂર પડે છે. યોગની શરૂઆત કરનારે એકડે એકથી જ શરૂઆત કરવી જોઈએ અને અભ્યાસ નિયમિત ચાલુ રાખવો જોઈએ. એનાથી છેવટે શરીર પર સારો પ્રભાવ પડશે જ.

આરંભ
શરૂઆતમાં આસન એટલી જ હદે કરો જેટલી હદે તમે આરામથી કરી શકો. તમારી શક્તિ કે ક્ષમતાથી વધુ આસન કરવાની કોશિશ ન કરો. સરળ વ્યાયામથી શરૂઆત કરો. સ્નાયુ, હાડકાં તથા શરીરનાં અન્ય અવયવોની પુન:રચનામાં સમય લાગતો હોય છે. અયંગર યોગમાં પગ વાળવો કે આગંળીઓને બાંધવી વગેરે જેવી ક્રિયાઓને ગતિ (મોશન) કહેવામાં આવે છે. ગતિ તમને મુદ્રા સુધી પહોંચાડે છે અને ક્રિયા એને સમજવામાં મદદ કરે છે.

એટલે પહેલાં ગતિઓને સમજવાની કોશિશ કરો. ક્રિયાઓને સાચી રીતે સમજવા કરતાં વધુ મહત્વનું છે આસનના તત્વને સમજવાનું. ધીમે ધીમે દરેક સરળ આસન સાથે તમે શારીરિક ક્રિયાઓની જટિલતા સમજતા જશો. આસનની ક્રિયાવિધિ સમજયા બાદ તમે અભ્યાસ દ્વારા આસનનાં લય-ગતિ પણ સમજી શકશો.

અભ્યાસ
એ જરૂરી છે કે જ્યાં સુધી તમે એકદમ આસાનીથી આસન ન કરી શકો, આસનની અંતિમ મુદ્રા સુધી ન પહોંચી શકો ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો. તો જ તમે આસનનો લાભ મેળવી શકશો. ઋષિ પાતંજલિએ યોગસૂત્ર ૧૧.૪૭માં કહ્યું છે: ‘આસનની પૂર્ણતાને ત્યારે જ પામી શકાય, જ્યારે એને કરવાના પ્રયાસમાં પ્રયાસ ન હોય અને સૂક્ષ્મ અથવા નાનામાં નાનાં લક્ષ્યને પામી લેવામાં આવે.’

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger