શનિવાર, 5 માર્ચ, 2011

યોગાસનો અને હેલ્થ કલબ

યોગાસનો અને હેલ્થ કલબ

 

 યોગ + આસનો = યોગાસનો. યોગાસનો આપણા શરીરને આશ્ચર્યજનક રીતે સ્વસ્થ કરે છે, તેથી યોગાસનો આપણા આરોગ્યની જડીબુટ્ટીઓ છે. મહર્ષિ પતંજલી યોગસૂત્ર અનુસાર સ્થિરં સુખં આસનમ્. અર્થાત્ જેમાં શરીર સ્થિર રહે તે રીતે સુખરૂપ બેસી શકાય તેને આસન કહે છે.

યોગાસન એક એવી સુખપ્રદ શારીરિક અવસ્થા છે, જે શરીરને દ્રઢતા, મનને સ્થિરતા આપી આઘ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે.
પરંપરા અને ધાર્મિક પુસ્તકોના આધારે શરૂઆતમાં ૮૪,૦૦,૦૦૦ યોગાસનો હતાં, જેમાં સૈકાઓથી પરિવર્તન અને સુધારોઓ થતા આવ્યા છે. હવે માત્ર સો (૧૦૦) આસનો જ જાણીતાં છે. એમાંથીય કેવળ ચોર્યાસીની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે.
આજના અતિવ્યસ્ત સમયમાં માનવી પોતાના શરીર અને મનને ઉપયોગી થાય તેટલાં માત્ર દસથી બાર જેટલાં જ યોગાસનો કરે તો તેનું કલ્યાણ થઈ શકે!
ઐતિહાસિક પ્રમાણના આધારે યોગાસનોના પ્રથમ વ્યાખ્યાકાર મહાન યોગી પતંજલિ હતા. એ સમયના યોગી સમાજથી ખૂબ દૂર પર્વતો અને જંગલોમાં રહેતા હતા. યોગી, ઋષિ અને મુનિઓએ પશુઓની ગતિ-વિધિઓને નિરખીને, એમના વર્તન ઉપર ઘ્યાનથી વિચાર કર્યો, અને એનું અનુકરણ કરીને વિવિધ આસનો પ્રચલિત કર્યા.
આ જ પ્રમાણે જંગલનાં જીવ-જંતુઓનો અભ્યાસ કરીને બીજાં કેટલાંક યોગનાં આસનો પ્રચલિત કર્યા. દા.ત. ચામાચીડિયું ઊધું લટકી રહે છે એટલે તેનું અનુકરણ કરીને શીર્ષાસનનો વિકાસ કર્યો.
તદ્ઉપરાંત પશુ-પક્ષીની આકતિને આધારે ઘણાં આસનો અસ્તિત્વમાં આવ્યાં છે. જેમ કે, કુક્કુટાસન, મયૂરાસન, બકાસન, ગરુડાસન, ભુજંગાસન, મત્યાસન, વૃશ્ચિકાસન, ગોમુખાસન વગેરે. વૃક્ષોના નિરીક્ષણમાંથી તાડાસન અને વૃક્ષાસનનું નિર્માણ થયું. આ રીતે યોગાસનોના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા.
હવે આપણે હેલ્થ કલબ(જિમ)ને સમજીએ. આધુનિક વિજ્ઞાન અનુસાર ગીચ શહેરોમાં ચાર દીવાલો વરચે, નાનાં-મોટાં યંત્રોથી થતાં શારીરિક વ્યાયામને હેલ્થ કલબ કહે છે. ગામડાઓમાં યંત્રો સિવાય ખુલ્લાં મેદાનોમાં શારીરિક વ્યાયામ થાય છે.
હેલ્થ કલબ (શારીરિક વ્યાયામ) દ્વારા શરીરને તંદુરસ્ત રાખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે યોગાસનો શરીરને તંદુરસ્ત રાખે છે. શું જિમ અને યોગાસનો દ્વારા મળતી તંદુરસ્તી એક સરખી હોય છે કે તેમાં પણ તફાવત છે? શરીર માટે શું ફાયદાકારક? હેલ્થ કલબ કે યોગાસનો?
ચાલો યોગાસનોના અને હેલ્થ કબલ (શારીરિક વ્યાયામ)નો તફાવત સમજીએ.
યોગાસનો
યોગાસનોની શરૂઆત પ્રાર્થના, ઘ્યાન, ભજન, શ્લોક કે મંત્રોના ઉરચારણથી થાય છે. આથી વાતાવરણ યોગાસનો કરવાને લાયક અને પવિત્ર બને છે. યોગાસનો બાદ શવાસન, મકરાસન જેવાં આરામદાયક આસનો કરાવી આત્મિક સ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. ટૂંકમાં અંતર્મુખી બનાવવામાં આવે છે.
યોગાસનો ધીરે ધીરે પૂરક, કુંભક અને રેચક સાથે તાલબદ્ધ ગતિમાં શાંત અને અંતર્મુખી ભાવે અથવા તો દ્રશ્યભાવે કરવામાં આવે છે. વળી, ક્રિયાની વચ્ચે વચ્ચે શવાસન કે મકરાસન જેવાં આરામદાયક આસનોનો આશરો લેવામાં આવે છે. આથી શારીરિક શિક્ષણની ક્રિયાઓ જેટલો શકિતનો હ્રાસ થતો નથી. ટૂંકમાં ઓછી શકિતએ વધુ લાભ મળે છે.
ઘ્યાનશકિત કેળવવી, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવી, આઘ્યાત્મિક સ્થિરતા મેળવવી અને આત્માને વિકસિત કરવો યોગાસનના અભ્યાસનો મુખ્ય હેતુ છે. જયારે શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરવી એ તેનો ગૌણ હેતુ છે.
યોગાસનો શીખવા માટે મોટાં મોટાં મેદાન કે નાણાંની જરૂર પડતી નથી. ઓછા સમયમાં અને ઓછી શકિતમાં યોગસનો કરી શકાય છે.
યોગાસનોની ક્રિયા વ્યકિતગત છે, પોતાના આંતરિક વિકાસ માટે છે. આ ક્રિયા એક વાર શીખી લીધા બાદ બીજા પર આધાર રાખવો પડતો નથી. તે માનવીને સ્વાશ્રયી અને અંતર્મુખી બનાવે છે.
યોગાસનોની બધી જ ક્રિયાઓમાં મનને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.
યોગાસનોમાં હરીફાઈને કોઈ સ્થાન નથી. આથી રાગ, દ્વેષ, થાક, પરસેવો વગેરેની જગ્યાએ પ્રેમ, માતૃભાવ, આરામ વગેરે જોવા મળે છે.
યોગાસનોમાં નાકની શુદ્ધિ માટે નેતિ, આંખ માટે ત્રાટક, પેટ માટે ધૌતિ, આંતરડાની સફાઈ માટે બસ્તિ જેવી ક્રિયાઓ છે.
યોગાસનો દ્વારા શરીરના આધારસમી કરોડરજજુની સ્થિતિસ્થાપકતા ખૂબ જ સારી રીતે વધારી શકાય છે.
શકિતવ્યય દર મિનિટે ૦.૮થી ૩ કેલરી હોય છે.
યોગાસનને અંતે સ્ફૂર્તિ અનુભવાય છે.
યોગાસનોનો હેતુ આઘ્યાત્મિક છે.
શારીરિક વ્યાયામ
શારીરિક વ્યાયામ ઉષ્માપ્રેરક (Warming-up) થી થાય છે.
શારીરિક વ્યાયામ ક્રિયાઓ ઝડપથી, જંપ કે જર્ક સાથે કરવામાં આવે છે. અહીં ક્રિયાની વરચે વરચે આરામ હોતો નથી. આથી શારીરિક વ્યાયામમાં યોગાસનો કરતાં શકિતનો હ્રાસ વધુ થાય છે.
શારીરિક વ્યાયામનો મુખ્ય હેતુ શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરવાનો છે, આઘ્યાત્મિક શાંતિ મેળવવાનો નહીં.
શારીરિક વ્યાયામની મોટા ભાગની ક્રિયાઓ શીખવા માટે મોંઘાં સાધનો, મોટાં મોટાં મેદાનો, ખૂબ નાણાં, સમય અને શકિત જોઈએ છે.
શારીરિક વ્યાયામની મોટા ભાગની ક્રિયાઓ સામૂહિક છે. જેમ કે કબી, ફૂટબોલ, ખો-ખો વગેરે.
શારીરિક વ્યાયામની બધી જ ક્રિયાઓમાં શરીરને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.
શારીરિક વ્યાયામની બધી જ ક્રિયાઓમાં હરીફાઈનો ભાવ હોય તેના પરિણામે ઉત્તેજના રાગ, દ્વેષ, થાક, પરસેવો વગેરે જોવા મળે છે.
શારીરિક વ્યાયામમાં યોગાસનો જેવી કોઈ શોધનક્રિયાઓ જોવા મળતી નથી.
શારીરિક વ્યાયામમાં માત્ર જિમ્નાસ્ટિકસ દ્વારા આ ક્રિયાઓ શકય બને છે.
શારીરિક વ્યાયામમાં મનની ગતિ અંદરથી બહારની તરફ હોય છે.
શકિતવ્યય દર મિનિટે ૪થી ૧૪ કેલરી હોય છે.
વ્યાયામને અંતે થાક અનુભવાય છે.
વ્યાયામનો હેતુ કાયા કૌશલ્યનો છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger